ભારતનું પતન

   ભારતમાં અંગ્રેજો આવ્યા તે પહેલા ભારતમાં અંગ્રેજી ભાષા, પશ્વિમી કેલૅન્ડર અને પશ્વિમી સંસ્કારોનું નામો નિશાન નહોતું. ભારતમાં તરક્કી એવી હતી કે સોનાની છોળો ઊડતી. સૂવર્ણના મંદિરો હતા. વિશ્વભરમાં ભારતનો એવો ડંકો હતો કે પહેલા મુસ્લીમો અને પછી અંગ્રેજો આપણા દેશને લૂંટવા માટે ખેંચાઇને આવ્યા. મુસ્લીમોએ એવો આતંક મચાવ્યો કે મુસ્લીમ ધર્મ અથવા મોત બેમાંથી એક સ્વીકારવાની ફરજ પડાઇ. મુસ્લીમ નહી બનનારા લાખો લોકોની કતલ કરવામાં આવી. મુસ્લીમ બાદશાહોએ રાજપૂત રાજાઓનું નિકંદન કાઢી નાખ્યું અને પોતાનું સાશન જમાવ્યું. સૂવર્ણ મંદિરો લૂટી લીધા. શીવાજી મહારાજ જેવા શૂરવીરોએ ભારે લડત આપી. જ્યારે જ્યારે જરૂર ઊભી થઈ ત્યારે આપણા દેશમાં આવા શુરવીરો પાક્યા છે અને માભૌમ માટે પ્રેમથી પોતાની જાત હોમી દીધી છે. સૌથી છેલ્લો રાજા પૃથ્વીરાજ ચૌહાણ પણ હણાયો. ત્યારે પણ લોકો આપણી સંસ્કૃતિ વિસરી ગયેલા. ત્યારે અનેક મહાપુરુષો અવતર્યા જેમણે લોકોને આપણી સંસ્કૃતિ વિશે જાગૃત કર્યા.

   મુસ્લીમો પછી ખ્રિસ્તિઓ (અંગ્રેજો) આપણા દેશને લૂટવા માટે આવ્યા. આજકાલા શાળાઓમાં દેશનો ઇતિહાસ આપણે અંગ્રેજોના ગુલામ હતા ત્યાંથી જ શરુ થાય છે. એટલે આ વિશે તો લોકો થોડું જાણતા હશે. ૨૦૦ વર્ષ સુધી આ લોકોએ આપણા દેશના લોકો ઉપર ખુબ જ ત્રાસ ગુજાર્યો છે. આ બધુ આપણે જલ્દી ભૂલી ગયા તે આશ્વર્ય છે ! આમાંથી દેશને છોડાવવા માટે લાખો લોકોએ બલીદાન આપ્યું છે તે નક્કર હકીકત છે. અંગ્રેજોએ હિંદુ-મુસ્લીમો વચ્ચે કલેશ કરાવીને અનેક નિર્દોષ લોકોને હણાવ્યાં. હું માનું છું કે, આપણને આઝાદી મળી નથી પણ સોનાની મુરઘી ઇંડા આપી શકે તેમ ન હોવાથી અંતે રહ્યો સહ્યો તમામ રસકસ ચૂસીને તેઓ ગયા. ગયા તોય ભારતમાતાની કેડ ભાંગીને અખંડ ભારતનું બે દેશોમાં વિભાજન કરી નાખ્યું.

    સ્થૂળ આક્રમણ બાદ હવે આપણી સંસ્કૃતિને તોડી પાડવા માટે સાંસ્કૃતિક આક્રમણ થઇ રહ્યું છે. ખ્રીસ્તી લોકોનો મતલબ એવો છે કે વિશ્વમાં માત્ર એક જ ખ્રિસ્તિ ધર્મ જ હોય, બધા ખ્રિસ્તિ બની જાય. મુસ્લીમોએ તલવારની ધારે આપણા લોકોને મુસ્લીમ બનાવ્યા જ્યારે આ ખ્રિસ્તિઓએ ભારે ચાલાકી વાપરી છે. ધીમુ ઝેર આપીને આપણને આપણી સંસ્કૃતિ, તેના નૈતિક મૂલ્યો અને આદર્શોથી વિમુખ બનાવીને તે લોકો તરફ ઢાળવાનું શરુ કર્યું. આ નક્કર હકીકત છે. આ સાંસ્કૃતિક હુમલાના પ્રથમ ચરણમાં એ લોકોએ જોયુ કે જ્યાં અંગ્રેજી ભાષા બોલાતી હશે ત્યાં લોકો તેઓની વાત માને છે, તેઓ તરફ ઢળે છે. આપણા લોકોને પૂર્વમાંથી પશ્વિમની સંસ્કૃતિ તરફ ઢાળવા માટે આપણા લોકો તેની ભાષા અપનાવે, તે ભાષાને વધુ મહત્વ આપે તે ખુબ જરૂરી છે.

   કોઇ કહે કે આંતરરાષ્ટ્રિય વેપાર માટે પણ અંગ્રેજી ભાષા જરૂરી છે. તેવી સ્થિતિ ઉભી કરવામાં આવી છે. જુના દસ્તાવેજો ચકાસીએ તો ત્યારે પણ આપણા દેશમાંથી અનેક ચીજોની વિદેશોમાં નિકાસ થતી જ હતી. આપણા લોકો વિશ્વની સૌથી પ્રાચીન આપણી સંસ્કૃત ભાષાને સાવ ભૂલી જ ગયા, તેમાંથી જન્મેલી આપણી માતૃભાષાઓનું મહત્વ પણ આપણને નથી. આ કરતા અંગ્રેજી ભાષા શ્રેષ્ઠ છે તેવી માનસીકતા આપણા લોકોની થવા લાગી. પછી તો લોકો સંસ્કૃતને વિસરી ગયા એટલે આપણું જુનું અસલી સાહિત્ય છે તેનાથી પણ દુર થઈ ગયા અને આપણી અસલીયત આપણે ભૂલતા ગયા. તે આપણે ત્યાં સુધી ભૂલી ગયા છીએ કે કૃષ્ણને બદલે ક્રીસ્ના, યોગના બદલે યોગા અને ગણેશના બદલે ગણેશા બોલવા લાગ્યાં. આ લોકોએ બીજુ પણ એક કામ કર્યું કે, હરિજન લોકોને ભડકાવીને તેઓને ખ્રિસ્તિ બનાવવા માંડ્યાં. હજારોની સંખ્યામાં હિંદુઓ ખ્રિસ્તિ બન્યા, આ વટાળ પ્રવૃત્તિ હજુ પણ ચાલી જ રહી છે આપણા દેશમાં. જો કે આ સમયે પણ આપણા દેશમાં મહાપુરુષો થયા જેમણે આપણી સંસ્કૃતિ વિશે આપણા લોકોને જાગૃત કરવાનું કામ કર્યું છે, એટલે જ આપણી સંસ્કૃતિ આજેય ટકી રહી છે.

   આપણા લોકોનું પતન થતું જ ગયું. સંસ્કૃત ભાષા ભૂલ્યા એટલે આપણું ભુલતા ગયા-તે અંગે સાવ અજાણ બની ગયા-અને અંગ્રેજી શીખ્યા એટલે પશ્વિમી સંસ્કૃતિ વિશે જાણતા થયા અને તેને અપનાવવા લાગ્યાં. પશ્વિમનું જ બધુ સાચુ અને આપણા કરતા શ્રેષ્ઠ લાગવા માંડ્યું. આજે સમય એવો છે કે બાળકને માતૃભાષામાં ભણાવવાની પણ તસ્દી લીધા વગર સીધો જ વિદેશી ભાષાના માધ્યમમાં ભણાવવામાં આવે છે. બે ગુજરાતીઓ સામે મળે તોય અંગ્રેજીમાં બોલવું તેને ગૌરવ અનુભવે છે. સંસ્કૃત તો માત્ર શ્લોક બોલવા પૂરતી જ સિમિત બની ગઈ છે. આપણું પંચાંગ ભૂલાઇ ગયું અને તેની જગ્યાએ વિદેશી કેલેન્ડરને અપનાવી લીધું. આપણા દેશમાં સરકારી વ્યવહારો, ન્યાતંત્ર આજે એ લોકોની ભાષામાં ચાલે છે જેઓએ આપણા દેશનું ૨૦૦ વર્ષ સુધી લોહી ચૂસ્યું. આપણા દેશનું નામ ભારતમાંથી ઇન્ડીયા થઇ ગયું.

   આપણા એકાદશી જેવા વ્રતો ગયા અને વેલેન્ટાઇન ડે ઉજવાવા લાગ્યા. સંસ્કારોનું દેવાળું ફૂંકાઇ ગયું. જે બુધ્ધિજીવીઓ હતા, તેઓ પણ વિદેશ ઉપડી ગયા. આપણા જે ધર્મસ્થાનો છે ત્યાં પણ સંસ્કૃત ભાષા ગઇ અને અંગ્રેજી ભાષા અને વિદેશની કેલેન્ડરનો ઉપયોગ થવા લાગ્યો, તેનાથી વધારે પડતી બીજી શી હોઇ શકે ? લોકો તો ઠીક આપણી સંસ્કૃતિના આધાર સ્તંભો પણ અસલીયત ગુમાવી બેઠા. આ છે આપણા પતનની હકીકત.

   આજે કોને આપણી સંસ્કૃતિની પડી છે ? આપણું ગૌરવ આપણે ભૂલી ગયા છીએ. જો આમ જ ચાલશે તો આપણી સંસ્કૃતિનું નામોનિશાન રહેશે નહિ. આજની નવી પેઢીમાં એવા લક્ષણો જોઇ શકાય છે.
-યોગેશ કવીશ્વર

Advertisements

ખાતમૂહુર્ત વિધિનો મર્મ

આપણી ભારતીય સંસ્કૃતિમાં જે વિધિવિધાનો રહેલા છે તેને આજકાલનો ભણેલો ગણેલો સમાજ અવગણે છે. પણ આ વિધિવિધાનો હંબગ નથી.આ વિધનોપૈકી ખાતમૂહુર્ત વિધિનો મર્મ સમજાવતો પૂજ્ય શ્રીમોટાનો લેખ અત્રે તેમના જ શબ્દોમાં પ્રસ્તુત છેઃ

તા.૧૩/૭/૧૯૭૩માં વડોદરામાં નિયોનર ડિવિઝનના ખાતમૂહુર્ત પ્રસંગે પૂજ્ય શ્રીમોટાએ જે વક્તવ્ય આપ્યું હતું તે આપણી સંસ્કૃતિના હાર્દને સમજવા માટે ઘણું ઉપયોગી થાય એવું છે.

   ‘’ખાતમૂહુર્તવિધિ એક એવું કામ છે કે તેની ઉપરથી આપણી સમ્સ્કૃતિ કેટલી ઊંચી છે, આપણા સંસ્કારો કેટલા ઊંચા છે એનું ભાન થાય છે.આપણે ભૂલેચૂકે કોઇને અથડાઇ જઇએ છીએ તો ‘સોરી’ કહીએ છીએ. એ તો ચીલાચાલુ રિવાજ છે. ખરેખર તો એ બોલતી વખતે આપણા મનમાં એ પ્રકારની લાગણી થવી જોઇએ. મતલબ કે આપણે કઈ પણ કશામાં પણ અડચણકર્તા થઈ પડીએ ત્યારે એવી લાગણી થાય છે એમ આપણા સંસ્કૃતિકારો સમજેલાં. આ પૃથ્વીને ‘‘પાદ સ્પર્શ ક્ષમસ્વમે’-હે ધરતી માતા ! અમે તને પગ અડાડીએ છીએ તોય તું અમને નડતી નથી. એવી હે મા ! તને તળે ઉપર કરીએ છીએ.’
   ખાતમૂહુર્તની આ વિધિ એ ધરતીમાતાને કરેલી એક જાતની પ્રાર્થના છે. આજના કાળમાં એનું મહત્વ બરાબર નહિ સમજાય. કેમ કે આજકાલ આપણા સમાજમાંથી સંસ્કૃતિ-સંસ્કારશીલતા ઘટતી જાય છે. સંસ્કૃતિનું નામ-નિશાન જતું હોય એવો કાળ આવે છે. એવું પણ ખરું કે જર્જરીત જબરદસ્ત મકાન તોડી જ પાડવું પડે, તેને તોડીને મકાન નવું બનાવવું પડે છે. એવી તો આપણા હાલના સમાજની સંસ્કૃતિ જર્જરીત થયેલી છે, તે તૂટી-ફૂટીને સર્વ પ્રકારે નાશ થશે. તેમાંથી પાછી નવી સંસ્કૃતિ જન્મશે. આપણી સંસ્કૃતિના કેવા ઉત્તમ પ્રકારના સંસ્કાર હતા-સંસ્કારશીલતા હતી તેનો કંઇ ખ્યાલ આવે માટે વિધિ કરી છે.
   એ વિધિ જો ના હોત તો કદાચ આપણી સંસ્કૃતિનું નામ-નિશાન ભૂસાઇ ગયું હોત. આવી વિધિ આપણી સંસ્કૃતિનું દિગ્દર્શન કરાવે છે. ત્યારે મારે તમને બધાને તસ્દી આપવી પડે છે.
   આ સાત ધાન છે તે દરેક જણે લઈ આમાં નાખવાના. અને પછી ધાતુઓ છે તે પણ ધાન છે. આ બધુ અગડમ-બગડમ છે એમ ભણેલા લોકોને થાય. પણ બધુ હેતુ પૂર્વકનું છે. (આ ધાન અને ધાતુઓ ધરતીમાતા જ આપણને આપે છે, તેનું આપેલું તેને અર્પણ કરીએ તેવી ઉત્તમ ભાવના આ વિધિમાં છે, તમામ વિધિઓમાં આવી જ ઉચ્ચ ભાવનાઓ છે.-સં.)આ બધુ કરીને તમારે મેળવવાનું છે. આ અમસ્તુ નથી. પણ કોઇ રહસ્ય સમજતા નથી, એટલે મગજમાં એમને કંઇ ઉતરે નહિ ! આ ખાતમૂહુર્ત વિધિમાં આ બધુ ધાન ભૂમિમાં મૂકો છો. સાત ધાતુઓ, પૈસો પણ અંદર મુકવાનો હોય છે, અને પાંચ ધાતુઓ, પાંચ રત્નો એ બધું-આ બધું તમારે કમાવાનું તેનું જ્ઞાન પ્રગટે, હેતુ સમજાય, તે વિધિ પછળનો હેતુ છે. એટલે તમે બધા ભાઇઓ એક પછી એક આવીને તમારાથી તે વખતે પ્રાર્થના થાય તો કરજો, ના થાય તો એમને એમ મુકી દેજો. એટલી તમને બધાને મારી વિનંતી અને પ્રાર્થના છે. હવે આ બધુ કરતા પહેલાં આ પ્રાર્થના બોલી જઇએ. ખાતમૂહુર્તની પ્રાર્થન છે.
   (પછી પૂજ્યશ્રીએ પોતે ગુજરાતીમાં રચેલી પ્રાર્થના તેઓ બોલાવે છે.-સં.)
   આપણી વિધિઓમાં મોટામાં મોટું લક્ષણ ભાગ્યે કોઇને ખ્યાલમાં હશે. દરેક વિધિમાં સૌ પહેલા ગણપતિની સ્થાપના કરાય છે. આમાં પણ ગણપતિ-ગનપતિની પ્રાર્થના પહેલી. તે વિના ચાલે જ નહિ, પણ તેનું રહસ્ય બ્રાહ્મણો કેટલા સમજતા હશે ને બધા કેટલું સમજતા હોઇશું તે રામ જાણે ! પણ મને સમજણ છે, અને તે હેતુથી હું આ વિધિ કરું છું. તે તમને સમજાવું ખરો, તમને તે ‘રેશનલ’ અને બુધ્ધિથી સ્વીકારવા જેવું લાગે તો સ્વીકારજો નહિતર હરિ હરિ ! ‘ગણ’ના ઘણા અર્થ થાય છે. ગણનો એક અર્થ ઇન્દ્રિઓ થાય છે. જ્યારે કોઇ એક કર્મ લઈને આપણે બેસીએ તે ઇન્દ્રિઓ સાબુત નહિ હોય, મજબુત નહિ હોય, નિશ્વળ નહિ હોય તો આપણે કોઇ કર્મ યથાયોગ્યપણે નહિ કરી શકીએ. માટે તેનું ભાન પ્રેરવા માટે કે ‘’તારે આ કર્મ કરવું છે તો ઇન્દ્રિયોના સ્વામી થઈ જવું પડશે ! ગણપતિ તમારે થવું પડશે. તમારા કહેવાથી ઇન્દ્રિયો તમારા તાબામાં કંઇ આવવાની નથી. એ તો સ્વચ્છંદપણે-અની મરજીમાં આવે તેમ વર્તવાની. એનો આકાર કોઇ એક પ્રકારનો નથી. આપણી ઇન્દ્રિયોને ગમે તે પ્રકારનો આકાર છે. ગણપતિનો આકાર એવી જાતનો છે. એટલે દરેક વિધિમાં ગણપતિની સ્થાપના પહેલી, કે તમારે તમારી ઇન્દ્રિયોને મજબુત રાખવી પડશે. લગ્ન વખતે પણ ગણપતિની વિધિ પહેલા, કેમ કે લગ્નમાં અનેક પ્રકારના લોકો ભેગા થવાના. તમારા સ્વભાવને તમે સાચવજો. તમારી ઇન્દ્રિયોને તમે વશમાં રાખજો. તમે તતડી ઊઠશો કે ગુસ્સે થઇ જશો તો નહિ ચાલે. જ્યારે મોટા કામ લઈને બેસો છો ત્યારે ઇન્દ્રિયો વડે કામ લઈ શકાય. મન, બુધ્ધિ, પ્રાણ ને અહમ તો ખરા, પણ તે વખતે ઇન્દ્રિયો પણ સાથે જ હોય છે. ત્યારે એ બધાના આપણે સ્વામી થવું પડશે. એટલા માટે આ ગણપતિની વિધિ છે.
   આ ભૂમિમાતા- આ ભૂમિને આપણે લોકોએ મા ગણી છે. આપણે ભૂમિમાતાને સ્વર્ગથી પણ વધારે ગણી છે. પણ હું તો જે માએ આપણને જન્મ આપ્યો તેના કરતા પણ આ ભૂમિમાતાને વધારે ગણું છું; કેમ કે મા તો બે-ત્રણ વર્ષ ધવડાવ્યા પછી ખલાસ. પણ આ મા હંમેશ માટે તમારા જીવનની પ્રત્યેક જરૂરીયાત પૂરી પાડે છે. તમે વિચારી જુઓ. એક એક વસ્તુ જમીનમાંથી મળે છે. ખાવાની વસ્તુ તો ખરી, કપડા-લત્તા, ધનદોલત, માલમિલ્કત બધું ભૂમિમાંથી મળે છે. એક પણ વસ્તુ એવી નથી જે ભૂમિમાંથી ન મળતી હોય ! પણ તેના લાભ અને ગેરલાભ બન્ને છે. આપણે સમાજમાં જીવવા માટે કોલસો, ધાતુઓ, પેટ્રોલ ને કેટલું બધું કાઢકાઢ કરીએ છીએ. એના પરિણામ ભોગવવા તત્પર રહેવું પડશે. સમતુલા-જે બેલેન્સ છે-એ આપણે ખોઇ બેસીએ છીએ. આપણે તૈયારી રાખવી પડશે કે આ બધુ ખોદતા જઇએ છીએ ખરા, પણ આ ધરતીમાતાની જે સમતુલા છે, બેલેન્સ છે તે આપણે ગુમાવતા જઇએ છીએ. એ કોઇના ખ્યાલમાં નથી આવતું-ભણેલામાંઅ નથી આવતું-ભણેલા હોવા છતા. પહેલા ખ્યાલમાં આવવુ જોઇએ. પણ એ આવતુ નથી. ઉલ્કાપાતની તૈયારી આપણે રાખવાની. સંસ્કૃતિમાં પહેલેથી આપણે જે કંઇ કર્મ કરીએ, તેમાં ધરતીમાતાને પ્રાર્થના કરીએ છીએ કે,‘મા, અમને તુ ક્ષમા કરજે. અમે આ કરીએ છીએ તે અમારા સ્વાર્થને માટે છે. અમારાથી કર્યા વિના ચાલે એવું નથી. અમારા ગુણ ને અહમ માટે પણ,’ ક્ષમાની ભાવના પહેલેથી માગી લે છે. પણ અત્યારે એ ભાવના ચાલી ગઈ છે. એ ભાવના કેટલુ કામ કરે છે, એ તો સાયકોલોજીનો વિષય છે. પણ આજની સાયકોલોજીને આ ભાવના ગમતી નથી. એ ભાવના માત્રને ઉડાડી મુકે છે. આમ છતા આમાં ભાવના પણ કામ કરે છે. એટલે આજે આ કામ કરાવવાનું આવ્યું છે, ત્યારે આપણે ભૂમિમાતાને પ્રાર્થના કરીએ કે, ‘તુ અમને ક્ષમા કરજે, તારા પર અમે અનેક પ્રકારના ભાર લાદીએ છીએ.’ ”
-પૂજ્ય શ્રીમોટા
http://pujyashreemota.blogspot.in/2013/02/blog-post.html

ભારતીય પંચાંગ

  આજ કાલ મોટા ભાગના હિંદુ ધર્મ સંસ્થાનોમાં પણ ભારતીય પંચાંગના બદલે પશ્વિમી કેલેન્ડરનો ઉપયોગ થતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં હું એક ધર્મ સંસ્થાનમાં હતો, ત્યાં લોકોના ઉપયોગ માટે પશ્વિમી કેલેન્ડર આવ્યું. તેમાં તસવીરો તો આપણા જ ધર્મની હતી પણ કેલેન્ડર ઇસાઇ હતું. જાન્યુઆરીથી ડીસેમ્બરવાળું; આજે સર્વત્ર ભારતીય પંચાંગના બદલે આની જ બોલબાલા છે. મને થયું કે આ ધર્મસ્થાનમાં લોકો આધ્યાત્મિકતાના હેતુથી આવે છે, ત્યારે વ્યવસ્થાપકો દ્વારા અહીંના લોકોના ઉપયોગ માટે ભારતીય પંચાંગ આપવું જોઇએ. બધે તો પશ્વિમી પંચાંગનો ઉપયોગ થવા લાગ્યો છે પણ આપણા ધર્મસ્થાનોમાંયે આપણા પંચાંગની અવગણના થશે તો આ પંચાંગનું અસ્તિત્વ નામશેષ થઈ જશે. આજે કઈ તિથિ છે તે કેટલા હિંદુ લોકોને યાદ હશે ? જાનવરીની માયાજાળમાં કારતક-માગશર વિસરાઇ રહ્યા છે.

   પશ્વિમી અને ભારતીય પંચાંગમાં જમીન આસમાનનો તફાવત છે. પશ્વિમી પંચાંગ  સૂર્યકળા પર આધારીત છે, તેમાં ક્ષયતિથિ આવતી નથી, વર્ષના દરેક દિવસો નક્કી હોય છે એટલે સામાન્ય વ્યવહારમાં સરળ છે. ખાસ તો તેથી એનું ચલણ વધ્યું છે. કચેરીઓ વગેરેમાં ઉપયોગ માટે આ પધ્ધ્તિ સારી છે. પણ આ પંચાંગ ભૌતિકતા જ્યારે આપણા પંચાંગનું નિર્માણ આધ્યાત્મિકતાને ધ્યાને રાખીને થયું છે તે બન્ને વચ્ચે પાયાનો તફાવત છે. પશ્વિમી કેલેન્ડરમાં તહેવારો આવે છે- છેડતી દિવસ (પ્રપોઝ ડે), વંઠેલાઓનો દિવસ (વેલેન્ટાઇન ડે, ફ્રેન્ડશિપ ડે) વગેરે વગેરે. લોકો એકાદશી ભૂલી ગયા છે અને વેલેન્ટાઇન ડે ઉજવવા લાગ્યા છે. તેથી સંસ્કારીતાના ધોરણે આપણું પતન થઈ રહ્યુ છે. થર્ટી ફર્સ્ટ્ના નામે આપણા લોકો શરાબ, શબાબ અને કબાબની મહેફીલો યોજવા લાગ્યા છે. ૧ જાન્યુઆરીના દિવસે હિંદુઓ પણ એક બીજાને હેપ્પી ન્યૂ યર કહે છે તેમાં ધર્મનિરપેક્ષતા નહિ પણ પશ્વિમનું આંધળું અનુકરણ છે.

   આપણા ભારતીય પંચાંગમાં નવરાત્રી, શિવરાત્રી, વસંતપંચમી, એકાદશી, પૂર્ણિમા, જયંતીઓ, અક્ષયતૃતિયા જેવા ઉચ્ચ આદર્શ ધરાવતા તહેવારો આવે છે. જે આપણને આપણી સંસ્કૃતિના ઉચ્ચ આદર્શોનું ભાન કરાવે છે. પણ દરેક તહેવારમાં રહેલા આદર્શોનું ભાન ઘણા ઓછા લોકોને હશે. આપણું પંચાંગ અને આપણા તહેવારો એ આપણી સંસ્કૃતિની ધરોહર છે. જો એને ભૂલી જઇશું તો આપણું અધઃપતન જ થવાનું છે.

   મૂળ વાત પર આવું-મને થયું કે આ ધર્મ સંસ્થાનમાં ભારતીય પંચાંગ હોય તો મહીલાઓ એકાદશી વગેરે ક્યારે છે તે જોઇ શકે. પશ્વિમી કેલેન્ડરમાં વંઠેલો દિવસ ક્યારે છે તે જુવે તો થાય !

    મારા વડવાઓના કેટલાક જુના પત્રો પડ્યા છે. તેમા એ સમયમાં એ લોકો પત્ર લખ્યાની તિથિ લખતા હતા. જેમ કે, માગશર સુદ-૧ વગેરે. આજે વ્યવહારમાંથી આપણું પંચાંગ અદ્રશ્ય થઈ રહ્યું છે. મેં અગાવ ક્યાંક વાંચેલું કે વ્યવહારના ઉપયોગ માટે આપણી ભારતીય તારીખ બનાવવામાં આવી હતી, પણ તે ન સ્વીકારાતા પશ્વિમી તારીખનો જ સરકાર દ્વારા ઉપયોગ કરાયો. રખે કોઇ એમ ન માનીલે કે હું પશ્વિમનો કટ્ટર વિરોધી છું. પણ આપણું જે સારું છે એનું મૂલ્ય આપણે ન સમજીએ તેથી આ કહેવું પડે છે. ભારતીય પંચાંગ સમાજમાં સંસ્કારીતા ટકાવી રાખે છે માટે હું તેને મહત્વ આપુ છું. વળી, એક ભારતીય હોવાના નાતે મારો એ ધર્મ-મારી પવિત્ર ફરજ પણ છે.

-યોગેશ કવીશ્વર

માતૃ ભાષા

આજકાલ તો ઇન્ટરનેટની દૂનિયામાં ગુજરાતી બ્લોગનું પ્રમાણ કુદકે અને ભૂસકે વધી રહ્યું છે. આપણા લોકો માટે આ ખુબ જ આનંદની વાત છે. હવે માત્ર અંગ્રેજી ભાષાનું જ પ્રભુત્વ રહ્યું નથી. ગુગલ,વર્ડપ્રેસ વગેરેએ પણ પોતાની સેવાઓ ગુજરાતીમાં આપવાની ફરજ પડી છે. પણ હજુ અમુક લોકો એમ જ માને છે કે ઇન્ટરનેટમાં અંગ્રેજીમાં જ લખવાનું હોય ! ગુજરાતી આપણી માતૃભાષા છે, શક્ય હોય ત્યાં સુધી તેનો જ ઉપયોગ કરવો જોઇએ. આપણે જ ગુજરાતીને મહત્વ નહી આપીએ તો કંઇ અંગ્રેજો ગુજરાતીની મહત્તા વધારવા માટે આવવાના નથી. આ પવિત્ર ફરજ આપણી જ છે.

   અમુક લોકો ઉપર તો જાણે અંગ્રેજીનું ભૂત જ સવાર થઈ જાય છે. તેનું મૂળ કારણ એ કે આ લોકો એમ માનતા હોય છે કે અંગ્રેજી મહાન ભાષા છે ! આપણી ગુજરાતીનું કશું જ મૂલ્ય નથી. જો આપણે જ આપણી ભાષાની કદર કરતા-એની મહત્તા વધારતા નહિ શિખીએ તો ક્યારેય એની કદર થવાની જ નથી. આપણી સંસ્કૃત ભાષા વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને જુનામાં જૂની ભાષા છે. પણ આપણે તેની કદર કરી નથી-હજુ કરતા નથી એટલે આજે અંગ્રેજીનું પ્રભુત્વ વધ્યુ છે. આપણે એ રસ્તે જ જશુ તો આપણું જે સારુ સારુ છે તે બધુ ગુમાવવાનો જ વારો આવવાનો છે.